
Website Admin
August 10, 2024VTMS પ્રોજેક્ટથી ખાણ-ખનીજ ક્ષેત્રે ગેરરીતિ અટકી, જાણો શું છે વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ
થોડા વર્ષો પહેલા લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડાવી કે પછી ખનીજ માફિયાનો ચેકિંગ કરવા આવેલી ખાણ અને ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલા કરવાના સમાચારો એક સામાન્ય બાબત બની ગઈ હતી. રેતી તેમજ ખનીજ ચોરીનું દૂષણ ગુજરાત સહિત દેશભરમાં એક બીમારી બની ગયું હતું. સરકારના અનેક પ્રયાસો છતાં પણ ખનીજ ચોરી અટકાવવી અશક્ય બન્યું હતું. જોકે, બાદમાં ટેકનોલોજીના સથવારે ઘણાખરા અંશે આ દૂષણને અટકાવી શકાયું છે. ટેકનોલોજીના સહારે અને સારા અધિકારીઓના પ્રયાસોથી ગુજરાતમાં આ ગેરરીતિને અટકાવવામાં ઘણી જ સફળતા મળી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરે (CGM) GPS આધારિત વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (VTMS) લાગુ કરી છે. CGM લીઝ ધારકો પાસેથી રોયલ્ટી વસૂલવા માટે જવાબદાર છે. ILMS એપ્લિકેશનમાં લીઝ ધારકો દ્વારા જનરેટ કરવામાં આવેલ રોયલ્ટી પાસ મુજબ ખનીજને પછી રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં પરિવહન કરવામાં આવે છે. આ નવી સિસ્ટમ આવ્યા બાદ ખાણથી લઈને તેના એન્ડ યુઝર સુધીનું ટ્રેકિંગ થઈ શકે છે.
કમિશ્નર ધવલ પટેલ અને cgm-it ટીમ ના પ્રયાસોથી પ્રોજેક્ટ શરૂ કરવામાં સફળતા
ગુજરાત સરકાર VTMS પ્રોજેક્ટને 2017માં શરૂ કરવા માંગતી હતી પરંતુ કોઈ કારણોસર આ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો ન હતો. બાદમાં 2023માં CGM કમિશ્નર ધવલ પટેલના પ્રયાસોના કારણે આ પ્રોજેક્ટ ફરી શરૂ થયો અને તેમણે માઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં તેને સફળતાપૂર્વક લાગુ પણ કર્યો. લગભગ એક વર્ષના સમયમાં ખનીજ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી અંદાજે 80,000થી વધારે ટ્રક્સનું સફળતાથી VTMSથી મોનીટરીંગ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે અનેક મુશ્કેલીઓ પણ સામે આવી હતી. ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને ટ્રક ચાલકોને તેમના વાહનમાં GPS લગાવવા માટે કહેવામાં આવ્યો અને તેનો વિરોધ પણ થયો હતો. ટ્રક માલિકોને આખી પ્રક્રિયાને સમજાવવા માટે કમિશ્નર ધવલ પટેલની કુનેહ અને સમજદારી ઘણી ઉપયોગી સાબિત થઈ અને સાથે જ સરકારને પણ તેનાથી લાભ થયો છે. એક જવાબદાર અધિકારી તરીકે કમિશ્નર ધવલ પટેલે વાહન માલિકો સાથે અનેક બેઠકો કરી, તેમની મુશ્કેલીઓ સમજી અને ઉકેલ પણ આપ્યા હતા.
શું છે VTMS પ્રોજેક્ટ?
ગુજરાતમાં ખનીજ કાઢવા માટે કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર સહિતના વિસ્તારોમાં ખાણને લિઝ ઉપર આપવામાં આવે છે. તેમાંથી નીકળતા ખનીજ ઉપર સરકારને રોયલ્ટી મળે છે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ અથવા ઓનલાઈન થઈ ચૂકી છે. પરંતુ ટ્રકમાં માલ ભરાવા અને તે ટ્રક તેના નિર્ધારિત રસ્તે પહોંચે છે તેની ટ્રેકિંગ કરવાની કોઈ સિસ્ટમ ન હતી. આના કારણે બહોળા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હતી અને સરકારને રોયલ્ટીની મોટી રકમ ગુમાવવી પડતી હતી. આનો ઉકેલ લાવવા માટે માઇનિંગ્સ કામ સાથે જોડાયેલા વાહનોનું ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવા માટે VTMS પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આના કારણે અધિકૃત ખનન ઉપર વધુ સારી રીતે નજર રાખી શકાય છે અને ખાણોમાં થતાં ગેરકાયદેસર ખનન ઉપર ચાંપતી નજર રાખવાનું પણ સંભવ બન્યું છે. VTMS સિસ્ટમથી લિઝથી લઈને વાહન કઈ કઈ જગ્યાએ ફરે છે, તેમાં કેટલું ખનીજ ભરેલું છે અને કયા રસ્તે ટ્રક ચાલે છે તેની તમામ વિગતો જાણી શકાય છે. વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમથી ખનીજ ઉદ્યોગનું પ્રભાવક રીતે નિયંત્રણ કરવું શક્ય બન્યું છે.
જીઓફેન્સિંગ ફરજિયાત બનાવાયું
-
વિભાગે માઇનિંગ સાથે જોડાયેલા જુદા જુદા સંગઠનો સાથે વાતચીત કરીને માર્ચ 2024માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજ્યમાં આવેલી તમામ માઇનિંગ લીઝ, ક્વોરી લીઝ, ક્વોરી પરમિટ, એન્ડ યુઝર્સ, સટોકિસ્ટ બેઝમેન્ટ પરમિટ ધારકોએ 1 એપ્રિલ સુધીમાં જીઓફેન્સિંગ ફરજિયાત કરાવવાનું રહેશે. જે લોકોનું જીઓફેન્સિંગ બાકી રહેશે તે તમામના રોયલ્ટી પાસ અને ડિલિવરી ચલણ ઇશ્યૂ થશે નહીં.
-
પરિપત્ર મુજબ જીઓફેન્સિંગ કરાવેલું તો 1 એપ્રિલની મધ્ય રાત્રીથી રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ ઇશ્યૂ કર્યા બાદ વાહન ચાલકે જનરેટ થયેલા રૂટ મુજબ વાહન ચલાવવાનું રહેશે. જો આમ નહીં કરવામાં આવે તો રુટ ઉલ્લંઘન ગણવામાં આવશે અને તેની સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
-
વાહન જે ગંતવ્ય સ્થાનનો રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણ લઈને રવાના થયું હશે તે નક્કી કરેલી જગ્યાએ જીઓફેન્સિંગમાં દાખલ થયા બાદ જ તેની ટ્રીપ પૂરી થઈ ગણાશે. એટલે કે ટ્રકે તેના નક્કી કરેલા ડ્રોપ પોઈન્ટ સુધી ફરજિયાત પહોંચવાનું રહેશે. આમ નહીં થાય તો અન્ય કોઈ રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણ ઇશ્યૂ થઈ શકશે નહીં.
પ્રોજેક્ટમાં આવેલી મુશ્કેલીઓ
વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ ટેકનિકલ હોવાથી તેનું ઇમ્પલિમેન્ટેશન પણ અઘરું સાબિત થવાનું હતું. જ્યારે 2023માં સરકારે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આની જાહેરાત કરી ત્યારે ખાણ ખનીજ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. આ પ્રોજેક્ટ લાખો લોકોની રોજગરીને સીધી અસર કરતો હોય તેનું યોગ્ય ઇમ્પલિમેન્ટ થાય તે જરૂરી હતું. પરંતુ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર ધવલ પટેલની સમજદારીના કારણે ધીમે ધીમે બધી મુશ્કેલીઓના સમાધાન થતાં ગયા.
શરૂઆતમાં ટેકનિકલ ઇશ્યૂના લીધે વારંવાર રોયલ્ટી સર્વર ઠપ્પ થતાં 1 લાખથી વધુ વાહનોના પૈડાં થંભી ગયા. આ સિવાય રોયલ્ટી નીકળવામાં મુશ્કેલી આવતા અનેક ખાણમાં કામ અટકી પડ્યું હતું. આ બધાના ઉકેલ માટે VTMS પ્રોજેક્ટ બનાવનાર એમનએક્સ કંપની, ILMS સિસ્ટમ વિકસાવનાર એનકોડ કંપની, ડિવાઇસ પ્રોવાઈડ કરનાર એજન્સી અને ખનીજ વિભાગની ટીમે સયુક્ત પ્રયાસોથી ટેક્નિકલ ખામીને દૂર કરી હતી. પ્રોજેક્ટ લોન્ચ કર્યા બાદ આવેલા તમામ ટેક્નિકલ બગનું મોનિટરિંગ કરી તેને દુર કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન ટ્રક માલિકોએ GPS સિસ્ટમનો વિરોધ કરતાં કમિશ્નર ધવલ પટેલ અને તેમની ટીમે વાહન માલિકો સાથે અનેક મિટિંગો કરી અને તેમને પ્રોજેક્ટ અંગેની વિગતવાર જાણકારી આપીને તેમના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું અને તેઓને આ VTMS પ્રોજેક્ટ સાથે જોડ્યા હતા. આ ઉપરાંત ખાણ મલિકોના એસોસિએશન સાથે સતત મિટિંગો કરી પ્રોજેક્ટની તમામ માહિતી આપવામાં આવી હતી.
રોયલ્ટીની આવક આ વર્ષે રૂ. 2,500 કરોડ થઈ શકે છે
ગુજરાત જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ અગાઉ જાહેર કરેલી વિગતો મુજબ નાણાકીય વર્ષ 2022-23 માટે રોયલ્ટી વસૂલાતમાંથી રૂ. 2,070 કરોડની આવક કરી છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19%નો વધારો જોવા મળ્યો હતો. ખાણ અને ખનીજ ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે, VTMS પ્રોજેક્ટના કારણે ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી અટકાવવામાં મહદઅંશે સફળતા મળી છે. તેને જોતાં આ વર્ષે 2024-25માં રોયલ્ટીની આવક રૂ. 2,500 કરોડ કે તેનાથી વધારે થવાની સંભાવના છે. મુખ્ય ખનિજો ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચાઈના ક્લે, બિલ્ડીંગ સ્ટોન વગેરે જેવા ગૌણ ખનિજોનું યોગદાન સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં 70% છે.
નિષ્ણાતોનું માનવું છે કે, ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇ-ઓક્શન સહિતના પગલાંને કારણે ગુજરાતનો ખનીજ ઉદ્યોગ વધુ ઓર્ગેનાઇઝ્ડ બન્યો છે. ખનીજનું ટ્રેકિંગ, તેની ગુણવત્તા ચકાસણી, ઝડપી મંજૂરી માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેથી ઉદ્યોગકારોને પણ ફાયદો થઈ રહ્યો છે.
Editor- Varsha Dave